Thursday, April 16, 2009

ગુજરાતી નો ઘસારો અને અંગ્રેજીનો ધસારો...
બાળકનું શિક્ષણ ગુજરાતી માધ્યમમાં કરવું કે એ હવે યક્ષ પ્રશ્ન રહ્યો નથી. આ ક


માતૃભાષામાં શિક્ષણ કેટલું જરૂરી અને ઉપયોગી છે, એની ભાષણબાજી સાંભળવામાં હવે ગુજરાતીઓને કંટાળો આવે છે. એના માટે માતૃભાષા પ્રત્યે પ્રેમના અભાવ ઉપરાંત ભાષાપ્રેમનાં ભાષણો-ઉપદેશો આપનારા મહાનુભાવો પણ ઓછા જવાબદાર નથી.
ગુજરાતીનાં મહત્તા-માહત્મ્ય-મહાનતા વિશે ભાવભીની વાતો ઘણી થાય છે, પરંતુ તેના ગઢમાં પડેલાં મસમોટાં ગાબડાં પુરવા માટે શું કરવું જોઇએ, એ બાબતે ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવતો નથી. પરિણામે ભાષાબચાવ ઝુંબેશો ભવિષ્યની વ્યૂહરચના વિશેની ચર્ચાસભાને બદલે ભૂતકાળનાં, ઘણે અંશે આત્મકથાત્મક, સંભારણાં વાગોળવાની નિરર્થક- બહુ તો મનોરંજક- બેઠકો બની રહે છે.
ગુજરાતી માઘ્યમ અને તેનાથી ઘણી વ્યાપક એવી ગુજરાતી ભાષાને ઈંગ્લીશના હુમલાથી સલામત રાખવા માટે શું થઇ શકે? કેટલાક ઉપાયો વિચારતાં પહેલાં ગુજરાતમાં-ભારતમાં ઈંગ્લીશનાં મૂળીયાં વિશે અછડતી જાણકારી મેળવીએ.
ઈંગ્લીશઃ પ્રવેશ અને આક્રમણ
રમૂજમાં ભારતની ‘મધરટન્ગ’ (માતૃભાષા) નહીં, પણ ‘આન્ટી ટન્ગ’ (માસીની ભાષા?) તરીકે ઓળખાતી ઈંગ્લીશની બોલબાલા વિશે એક પ્રચલિત વિધાન છેઃ ‘ઈંગ્લીશ ઇઝ નોટ માય મધર્સ ટન્ગ, બટ ઇટ ઇઝ માય મધરટન્ગ.’ (ઈંગ્લીશ મારી માતાની ભાષા નથી, પણ મારી માતૃભાષા છે.)
ત્રણેક દાયકા પહેલાં એક વિદ્વાને ભારતમાં અંગ્રેજી ભાષાને ગાય સાથે સરખાવી હતી. સરખામણીનો પહેલો મુદ્દોઃ ભારતીયો પરલોક તરી જવા માટે ગાયનું અને આ લોક તરી જવા માટે ઈંગ્લીશનું પૂંછડું પકડે છે. મુદ્દો બીજોઃ બન્ને વિશે અત્યંત આદર હોવા છતાં બન્નેની દશા ભારતમાં ભૂંડી છે.
પહેલો મુદ્દો હજુ એટલો જ સાચો છે, પણ બીજા મુદ્દે મોટો ફેરફાર થયો છે. કેટલાક અભ્યાસીઓ જેને ‘વ્હાઇટ રેવોલ્યુશન’ (‘શ્વેત ક્રાંતિ’?) કહે છે, તે પ્રક્રિયા અંતર્ગત દેશમાં હવે ઈંગ્લીશને કારણે ઘણી સ્થાનિક ભાષાઓની દશા બેઠી છે. બે-ત્રણ દાયકા પહેલાં સુધી ગુજરાત જેવાં રાજ્યોમાં ઈંગ્લીશ શીખવવા માટે ઝુંબેશ ઉપાડવી પડે એવી સ્થિતિ હતી. ગુજરાતમાં પહેલાં ઈંગ્લીશ પાંચમા ધોરણથી શીખવવું કે આઠમા ધોરણથી, એ વિશેના ગરમાગરમ વિવાદો થતા હતા. હવે ગુજરાતી શીખવવાની-બચાવવાની ઝુંબેશ કરવાના દિવસ આવ્યા છે.
ઈંગ્લીશના આક્રમણનું જોર જોતાં એવું લાગે, જાણે ભારતમાં એ ભાષા સદીઓથી મૂળીયાં નાખીને પડી છે. ઐતિહાસિક તથ્યો એ વિશે શું કહે છે?
વિશ્વભાષા તરીકે ઈંગ્લીશ છેક વીસમી સદીમાં અને એ પણ બે વિશ્વયુદ્ધો પછી સ્થપાઇ. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ આથમી ગયો, પણ બ્રિટનનાં સંસ્થાનો પૂરતું મર્યાદિત રહેલું ઈંગ્લીશનું સામ્રાજ્ય અકબંધ રહ્યું અને વિસ્તર્યું. કેમ કે, વિશ્વયુદ્ધો પછી રાજકીય-આર્થિક સુપરપાવર તરીકે ઉભરેલા અમેરિકાની મુખ્ય ભાષા ઈંગ્લીશ હતી. અમેરિકન ઈંગ્લીશ પહેલાં સમૃદ્ધિની અને પછીનાં વર્ષોમાં જ્ઞાનની ભાષા તરીકે દુનિયાભરમાં ફરી વળ્યું. ૧૯૮૫ના ‘યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રીપોર્ટ’ સામયિકમાં ઈંગ્લીશના આક્રમણ વિશેના એક લેખમાં નોંઘ્યા પ્રમાણે, એ સમયે કમ્પ્યુટરમાં સ્ટોર થયેલી દુનિયાભરની ૮૦ ટકા માહિતી ઈંગ્લીશમાં હતી અને દુનિયાની વસ્તીમાં દર સાત માણસે એક માણસ ઓછેવત્તે અંશે ઈંગ્લીશ જાણતો હતો.
ભારતમાં ઈંગ્લીશ ભાષાના પગપેસારા માટે એકતરફ ‘લીન્ગ્વીસ્ટીક ઇમ્પીરીયાલીઝમ’ (ભાષાકીય સામ્રાજ્યવાદ) જેવો શબ્દપ્રયોગ વપરાય છે, તો સી.રાજગોપાલાચારી સરખા વિદ્વાન નેતાએ ઈંગ્લીશને ‘ગોડેસ સરસ્વતીઝ ગિફ્ટ ટુ ઇન્ડિયા’ (દેવી સરસ્વતી ભારતને ભેટ) તરીકે ઓળખાવી. આ ભાષાનો તેના જન્મસ્થળ ઈંગ્લેન્ડમાં માંડ પાંચેક સદી પહેલાં ‘સાહિત્યિક શક્યતાઓ ધરાવતી ભાષા’ તરીકે સ્વીકાર થયો. છતાં ૧૭મી સદી સુધી ન્યૂટન જેવા વૈજ્ઞાનિક લેટિન ભાષામાં ગ્રંથો લખતા હતા. છેક ૧૯મી સદી સુધી ઈંગ્લેન્ડની સ્કૂલોમાં ઈંગ્લીશ ભણાવવામાં આવતું ન હતું. (સંદર્ભઃ ધ પોલિટિક્સ ઓફ ઇન્ડિયન ઈંગ્લીશ, એન.કૃષ્ણસ્વામી અને અર્ચના એસ. બર્ડે, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૧૯૯૮)
ભારતમાં ઓગણીસમી સદીમાં (૧૮૨૩માં) નીમાયેલી ‘ધ જનરલ કમિટી ઓફ પબ્લિક ઇન્સ્ટ્રક્શન’ના સભ્યોએ ઈંગ્લીશ ભાષા અને ઈંગ્લીશ મીડિયમના પ્રસારની વિરૂદ્ધમાં અભિપ્રાય આપ્યો હતો. ત્યાર પછીના દોઢેક દાયકામાં ‘ધ બોમ્બે નેટીવ એજ્યુકેશન સોસાયટી’એ મુંબઇ ઇલાકામાં ‘ડિસ્ટ્રીક્ટ ઈંગ્લીશ સ્કૂલ્સ’ (જિલ્લા કક્ષાની ઈંગ્લીશ શાળાઓ) શરૂ કરી. અંગ્રેજી રાજની વહીવટી ભાષા બનેલી ઈંગ્લીશ શીખવાની તમન્ના ‘દેશીઓ’માં જાગવા માંડી. ૧૮૩૫માં મેકોલેએ ભારતમાં ઈંગ્લીશના શિક્ષણ દ્વારા કારકુનો પેદા કરવાના સૂચન સાથે નવી દિશા ચીંધી આપી. (જાપાનની એક યુનિવર્સિટીનો ઘ્યેયમંત્ર હતોઃ ‘કારકુન કરતાં કારીગર સારો’) બીજો મહત્ત્વનો વળાંક ૧૮૫૪માં આવ્યો, જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ચાર્લ્સ વૂડે ‘વૂડ્સ ડિસ્પેચ’ તરીકે ઓળખાતા અહેવાલમાં નવી શિક્ષણનીતિની રૂપરેખા આપી. તેમાં મુખ્ય શહેરોમાં મહાવિદ્યાલયો (યુનિવર્સિટી)નો આરંભ, શિક્ષકો માટે તાલીમસંસ્થાઓની સ્થાપના અને ‘ગ્રાન્ટ-ઇન-એઇડ’ પ્રથા શરૂ કરવાનો નિર્ણય લેવાયો. એ સાથે ભારતના વહીવટી તંત્રમાં પહેલી વાર શિક્ષણવિભાગ અલગ રીતે અસ્તિત્ત્વમાં આવ્યો.
‘વૂડ્સ ડિસ્પેચ’ની દોઢ સદી પછી હવે ગુજરાતી ભાષામાં તથા ગુજરાતી ભાષાના અસરકારક શિક્ષણ માટે કોઇ ‘ડિસ્પેચ’ તૈયાર કરવો પડે એવી સ્થિતિ છે.
સુદૃઢ ગુજરાતી માટે સંભવિત ઉપાયો
ભાષા સાથે જુદા જુદા સ્તરે કામ પાડતા અભ્યાસીઓ સાથેની વાતચીતમાંથી મળેલાં ગુજરાતી ભાષાને મજબૂત કરવાનાં કેટલાંક ઉપયોગી-વ્યવહારૂ સૂચનો અહીં મુક્યાં છેઃ
કાંટાથી કાંટો કાઢવોઃ રતિલાલ બોરીસાગર આ શબ્દપ્રયોગ વાપરીને કહે છે કે અંગ્રેજી ભાષાથી જ અંગ્રેજીના મોહ સામે લડવું. એટલે કે, ગુજરાતી શાળાઓમાં પહેલા ધોરણથી અંગ્રેજી એક વિષય તરીકે દાખલ કરવું અને ઈંગ્લીશ મીડિયમમાં ભણાવાતા અંગ્રેજીની સમકક્ષ ઈંગ્લીશ ગુજરાતી માઘ્યમમાં ભણાવવું. નગેન્દ્રવિજય એટલી હદ સુધી કહે છે કે ગુજરાતી માઘ્યમમાં અંગ્રેજી પર ભાર મુકવા માટે જરૂર લાગે તો અંગ્રેજી વિષયનાં એકને બદલે બે પેપર કરી નાખવાં.
આ સૂચનો પાછળનું હાર્દ એટલું જ કે તેનાથી સંતાનનું ઈંગ્લીશ કાચું કે નબળું રહી જતું હોવાની માતાપિતાની ફરિયાદ દૂર થશે અને સંતાનના દિમાગમાં ભાષા ભેળપુરી થતી અટકશે. ઈંગ્લીશ ભાષા અંગે સરકારની ઉદાર નીતિ જોતાં ગુજરાતી શાળાઓ માટે પહેલા ધોરણથી ઈંગ્લીશ દાખલ કરવાના પગલાંને સરકાર તરફથી કોઇ મુશ્કેલી નડવી જોઇએ નહીં.
એટલું ખરૂં કે આ કામનો બોજ મામૂલી પગાર ધરાવતા વિદ્યાસહાયકો પર નાખી શકાય નહીં. સરકારે એ માટે પૂરા કદના, સારો પગાર ધરાવતા શિક્ષકોની ભરતી કરવી પડે. અત્યારે ઈંગ્લીશ મીડિયમની સ્કૂલોમાં પણ સારૂં અંગ્રેજી શીખવવાનાં ફાંફાં હોય, ત્યારે સારા અંગ્રેજી શિક્ષકો તૈયાર કરવાનું કામ પ્રાથમિક બની રહે.
માતૃભાષાનું બાકાયદા મહત્ત્વઃ ઈંગ્લીશ મીડિયમની સ્કૂલોમાં બારમા ધોરણ સુધી ગુજરાતી ફરજિયાત હોવું જોઇએ. એટલું જ નહીં, ગુજરાતીને પૂરતું મહત્ત્વ પણ મળવું જોઇએ. આ કામ સરકારી હુકમ અને ખાસ તો, તેના કડક અમલથી દ્વારા શકે. આ પ્રકારના સરકારી હુકમો સામેનો વિરોધ અદાલતોમાં પણ ટકી શકતો નથી.
પ્રજાકીય વ્યવહારમાંથી અંગ્રેજીને વિદાયઃ ગુજરાતી માઘ્યમના વિદ્યાર્થીને સારૂં અંગ્રેજી ભણાવવાની સાથોસાથ, ગુજરાતી પર પ્રભુત્વ ધરાવનાર માટે કારકિર્દીની બહોળી તકો ઉપલબ્ધ બને, એવું વાતાવરણ રોજેરોજના જીવનમાં ગુજરાતીના બહોળા પ્રયોગથી સર્જાવું જોઇએ. આમજનતાની ભાષા ગુજરાતી હોય ત્યારે રોજબરોજના જીવનમાં ધૂસી ગયેલા અને લોકો માટે અન્યાયી થઇ પડતા અંગ્રેજીને દૂર કરવું પડે. ધારાશાસ્ત્રી ગિરીશ પટેલ કહે છે કે હાઇકોર્ટમાં વકીલો અને ન્યાયમૂર્તિ બધા ગુજરાતી હોય, તો પણ કાર્યવાહી અંગ્રેજીમાં ચાલે છે. ઘણાખરા અસીલોને ખબર જ ન પડે કે પોતાનો વકીલ શું ગબડાવે છે. આવી સ્થિતિ નાબૂદ થવી જોઇએ. ભાષાનો મુદ્દો ફક્ત સાહિત્ય કે ભણેલાગણેલા લોકોને જ નહીં, ‘આમજનતા’ તરીકે ઓળખાતા સૌનાં હિત અને તેમના અધિકારો સાથે સીધો સંકળાયેલો છે.
ગુજરાતી ભાષામાં પાઠ્યપુસ્તકોનું પુનઃલેખનઃ બાળકનું શ્રેષ્ઠ ભણતર તેની માતૃભાષામાં થઇ શકે છે, એ વિજ્ઞાનસિદ્ધ હકીકત છે. પ્ર.ચુ.વૈદ્ય જેવા ગણિતશાસ્ત્રીએ અભ્યાસ દ્વારા તારવ્યું છે કે ‘ગણિત એટલે ફક્ત આંકડા’ એ માન્યતા ખોટી છે. ગણિત શીખવવામાં આંકડા જેટલું જ- તેનાથી બિલકુલ ઓછું નહીં એવું- મહત્ત્વ ભાષાનું છે.
ગુજરાતીમાં શીખવવાની વાત કરીએ ત્યારે બહુ મોટો મુદ્દો અને ચિંતાનો વિષય છે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ પાઠ્યપુસ્તકો અને સંદર્ભસામગ્રી. અત્યંત દુર્બોધ અથવા ટેકનિકલ ભાષામાં લખાયેલાં ગુજરાતી લખાણો કરતાં ઈંગ્લીશ સમજવાનું ઓછું અઘરૂં પડે છે. એટલે જ, નગેન્દ્રવિજય અને ડો.સુશ્રુત પટેલ જેવા વિજ્ઞાનમાં ઊંડાણપૂર્વકનું છતાં લોકભોગ્ય ભાષામાં લખનારા વિદ્વાનો, સમજાય એવા ગુજરાતીમાં પાઠ્યપુસ્તકો અને બીજાં સંદર્ભપુસ્તકો ઉપલબ્ધ બને તેની ઉપર ભાર મુકે છે. સરકારી પાઠ્યપુસ્તક મંડળ સરળ ગુજરાતીમાં લખી ન શકતા પ્રોફેસરોને થોડો વિરામ આપીને, વિષયનિષ્ણાતો અને સરળ ભાષામાં લખનારા લોકોને ભેગા કરવાની તસ્દી લે તો કંઇક કામ બને.
સરકારી શાળાઓની સજ્જતાઃ અત્યારના ઘણા ‘મોટા માણસો’ સરકારી નિશાળોમાં ભણ્યા છે એની ગાથા જવા દઇએ, તો પણ સરકારી નિશાળોની સંખ્યા અને સુવિધા સમય જતાં વધવાને બદલે ઘટ્યાં છે એ હકીકત છે. બોલકા વર્ગનાં સંતાનો માટે ખાનગી શાળાઓ ઉભી થઇ ગઇ હોવાથી તેમને સરકારી શાળાઓના હાલહવાલની પરવા નથી. પણ આ જ શાળાઓ ગુજરાતી માઘ્યમ અને ભાષાને બચાવવાનાં મહત્ત્વનાં કેન્દ્રો બની શકે એમ છે. એ માટે સરકાર પોતે પ્રયાસ કરે અથવા ભણતર ગરીબો માટે સુલભ રહે એ રીતે બીજાને પ્રયાસ કરવા દે, તો ગુજરાતી વિશેની ઘણીખરી ચિંતા નાબૂદ થઇ જાય.
આ યાદી હજુ લંબાઇ શકે. કેટલાંક સૂચનો અંગે વઘુ ચર્ચાને અવકાશ હોઇ શકે. છતાં, ગુજરાતીને મજબૂત કરવા ઇચ્છતા સૌએ પહેલા પગથિયા તરીકે એક પ્રતિજ્ઞા લેવા જેવી છેઃ ‘હવેથી અમે ગુજરાતી ભાષા વિશેની લાગણીસભર વાતોના દાયરા- અને ડાયરા-માંથી બહાર નીકળીને, નક્કર ઉપાયો વિશેની ચર્ચા અને ક્રમબદ્ધ-સમયબદ્ધ અમલીકરણ પર જ ઘ્યાન કેન્દ્રિત કરીશું.’